ઘરખર્ચ માટે એડવાન્સ, દોઢ ગણો પગાર, પાછા ફરવા એસી બસ... ચાલતાં ગામડે પાછા ગયેલા શ્રમિકોને હવે ફેક્ટરી માલિકો આ રીતે પાછા બોલાવે છે

લૉકડાઉન બાદ હજારો કિ.મી. ચાલીને વતનમાં પહોંચેલા શ્રમિકો બધી પીડા ભૂલીને પાછા ફરવા લાગ્યા છે, કેમ કે કામ બંધ થતાં તેમને આશરો આપવાની જેમણે ના પાડી દીધી હતી તેઓ જ હવે તેમને 20 હજાર રૂ. એડવાન્સ, દોઢ ગણા પગાર સાથે પાછા ફરવા એસી બસો મોકલી રહ્યા છે.

ભાસ્કરની 9 ટીમ જ્યાંના સૌથી ‌વધુ શ્રમિકો અન્ય રાજ્યોમાંથી પાછા ફર્યા હતા તે 10 જિલ્લાના 61 ગામમાં પહોંચી. તેમાંથી 7 જિલ્લાના ગામોમાંથી સરેરાશ 50 ટકાથી વધુ શ્રમિકો પાછા ફરી ચૂક્યા છે. ઘણાને ગામમાં જ કામ મળી ગયું છે તો ઘણા હજુ પણ કામની શોધમાં છે. ગામવાસીઓ કહે છે કે બોલાવવાવાળાએ 20-20 હજાર રૂ. એડવાન્સ આપ્યા. કોઇએ બમણા મહેનતાણાની તો કોઇએ 3 મહિનાના વળતરની લાલચ આપી. જેમને સારું લાગ્યું તેઓ પાછલી પીડા ભૂલીને નીકળી પડ્યા. મોટા ભાગના જિલ્લાઓમાં જોબ કાર્ડ મેળવીને મનરેગામાં મજૂરી કરનારા લોકો મળ્યા. કહ્યું- 194 રૂ.નું કામ, એ પણ રોજ નહીં. તેથી જેમને બોલાવાય તેઓ પરત જઇ રહ્યા છે.

મનરેગામાં મળેલા હુન્નરના કારણે શ્રમિકોને બમણા વેતનની ઓફર
કોરોનાકાળમાં પરત ફરેલા બિહારીઓ પૈકી મોટા ભાગનાએ એક સૂરમાં કહ્યું કે અહીં સરકારના પ્રયાસ દેખાઇ રહ્યા છે પણ બીજા રાજ્યો જેવી કમાણી અહીં મુશ્કેલ છે. હવે તો ત્યાં ફેક્ટરી માલિકો અને ખેતી કરાવનારા પહેલાં કરતાં વધુ પૈસા આપે છે, પાછા જવાનું અને આગળનું બાકી વેતન પણ. બિહારી શ્રમિકો વિના પંજાબ-હરિયાણાના સમૃદ્ધ ખેડૂતોની ખેતી ખરાબ થઇ રહી છે. દિલ્હી, પંજાબ, હરિયાણા, ગુજરાત, મહારાષ્ટ્ર અને તેલંગાણાના ફેક્ટરી માલિકો તેમના જૂના અનુભવી બિહારી શ્રમિકોને મેસેજ પર મેસેજ મોકલી રહ્યા છે. દર વખતે તેમની ઓફર અગાઉથી વધુ હોય છે. આ શ્રમિકો તેમના ખેતરો-ફેક્ટરીઓમાં વર્ષોથી કામ કરતા હોવાથી તેમને કામની દરેક બારીકી ખબર છે. તેથી તેમને પાછા લાવવા માલિકો બસો પણ મોકલી રહ્યા છે, એડવાન્સ નાણા આપી રહ્યા છે.

શ્રમિકોએ કહ્યું- દેશને અમારું મૂલ્ય સમજાયું તેની ખુશી છે
કોરોનાના દર્દીઓ વધતાં પરત ફરી રહેલા શ્રમિકો હાલ સપરિવાર નથી ગયા. તેમનું અને પરિવારજનોનું કહેવું છે કે જે લોકો અમને કામ આપીને અમારા પર ઉપકાર કરતા હોય તે રીતે વર્તતા હતા તેમને હવે અમારું મૂલ્ય સમજાયું તેનો આનંદ છે. મોટા ભાગના શ્રમિકો કોરોના સંકટ પૂરું થાય તેની રાહ જોઇ રહ્યા છે. પછી પરિવાર સાથે બહાર જશે જ.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર.


source https://www.divyabhaskar.co.in/national/news/advance-for-house-expenses-one-and-a-half-times-salary-ac-bus-to-return-factory-owners-now-call-back-the-workers-who-went-back-to-the-village-on-foot-127531643.html

Post a Comment

0 Comments