આસામમાં રાહત શિબિરોમાં સંક્રમણનો ખતરો હોવાથી પૂર અસરગ્રસ્તોની વાપસી, ત્યાં પણ રોજી-રોટીનું સંકટ

આસામના 33માંથી 26 જિલ્લા ભારે વરસાદ, ભીષણ પૂર અને ભૂસ્ખલનની ઝપટમાં છે. તેના કારણે અહીં અત્યાર સુધીમાં 105 મોત થઇ ચૂક્યા છે. અંદાજે 27.64 લાખ લોકો અસરગ્રસ્ત છે. રાહત શિબિરોમાં અંદાજે 18 હજાર લોકો છે. દિબ્રૂગઢ જિલ્લાના રોંગમોલા ગામના શ્યામલ દાસ (39) 2 દિવસ પહેલાં જ રાહત શિબિરમાંથી ઘરે પાછા ફર્યા છે. વાંસ-પતરાની છતવાળું તેમનું ઘર પૂરથી સંપૂર્ણ નષ્ટ થઇ ગયું છે. પત્ની અને 2 બાળક સાથે શ્યામલ ઘરે તો પરત આવ્યા છે પણ હવે રોજગારીની ચિંતા સતાવી રહી છે.

શ્યામલે કહ્યું, ‘લૉકડાઉન પછી કામધંધો ચોપટ જ થઇ ગયો હતો. હવે પૂરથી જિંદગી તબાહ થઇ ગઇ. કરિયાણાની નાની એવી દુકાન ચલાવીને પરિવારનું પેટ ભરતો હતો. હવે આગળના બધા રસ્તા બંધ થઇ ગયા છે. ખેતીની જમીન પહેલાં જ પૂર અને ભૂસ્ખલનમાં જતી રહી. 6 દિવસથી અમે સુહાગી દેવી સ્કૂલમાં બનેલી હંગામી રાહત શિબિરમાં રહેતા હતા. સંક્રમણના જોખમના કારણે ઘરમાં પાણી ઓસરતાં પરત આવ્યા. હંમેશા ડર રહેતો કે ક્યાંક શિબિરમાં કોરોના ન ફેલાય. અમે 19998થી દર વર્ષે પૂરના સમયે રાહત શિબિરોમાં આશ્રય લેતા આવ્યા છીએ પણ આટલો ડર ક્યારેય નથી લાગ્યો.’ શ્યામલના ગામથી માત્ર 2 કિ.મી. દૂર મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલનું પૈતૃક ગામ મુલુક છે. ત્યાં પણ પૂરથી તારાજી સર્જાઇ છે. પૂરથી અસરગ્રસ્ત 100 પરિવારોએ સ્થાનિક વિષ્ણુ રાભા હૉલમાં આશ્રય લીધો છે.

છય જિલ્લાના ડેબ્રીડૂવા ગામના અદાલત ખાન કહે છે, ‘એક મહિનાથી બાળકો સાથે રાહત શિબિરમાં છું. ખેતર અને ઘર પૂરમાં ડૂબી ચૂક્યા છે. કોરોનાના કારણે મજૂરીએ પણ નથી જઇ શકતા. સરકાર મદદ નહીં કરે તો અમે ભૂખ્યા મરી જઇશું. સ્થાનિક ધારાસભ્ય અમારી હાલત જોવા ડોકાયા પણ નથી. ચૂંટણીમાં બધા પક્ષો વોટ માગવા આવે છે, કેમ કે ડેબ્રીડૂવામાં 8 હજાર મતદાર છે.’ બરપેટા જિલ્લાના સિધોની ગામના મોહમ્મદ નયન અલી (47) કહે છે, ‘તંત્રએ 15 દિવસમાં ખાલી એક વાર વ્યક્તિદીઠ 1 કિલો ચોખા અને 200 ગ્રામ દાળ આપ્યા. ત્યાર બાદ અમારી સ્થિતિ જાણવા કોઇ નથી આવ્યું.’ બરપેટા જિલ્લામાં પૂરથી તારાજીનું એક મોટું કારણ ભૂતાનના કુરિચૂ હાઇડ્રોપાવર પ્લાન્ટમાંથી છોડાયેલું પાણી છે. બરપેટા જિલ્લાના ડે. કમિ. મુનીન્દ્ર શર્માએ તેની પુષ્ટિ કરતા કહ્યું કે અમારા જિલ્લામાં અંદાજે 739 ગામ પૂરથી અસરગ્રસ્ત છે. અંદાજે 12 લાખ લોકો પૂરની ઝપટમાં છે. 15 લોકોના મોત થયા છે. ભૂતાન 10 દિવસથી સતત પાણી છોડી રહ્યું છે. તે રોજ 1 હજારથી 1,500 ક્યૂસેક્સ પાણી છોડશે તો સ્થિતિ વધુ ખરાબ થશે.

બીજી તરફ પૂરના કારણે કાઝીરંગા નેશનલ પાર્કમાં 96 પ્રાણીઓના મોત થયા છે. પાર્કની 223માંથી 99 શિબિર પૂરમાં ડૂબી ગઇ છે. 6 શિબિર ખાલી કરાવવી પડી છે. આસામના મુખ્ય સચિવ કુમાર સંજય કૃષ્ણાએ કહ્યું કે જિલ્લા તંત્રએ અધિકારીઓને કહ્યું છે કે તેઓ રાહત શિબિરોમાં સોશિયલ ડિસ્ટન્સિંગની વ્યવસ્થા કરાવે. શિબિર બનાવવા એવા સ્થળો પસંદ કરાયા હતા કે જ્યાં જરૂર પડ્યે ક્વોરેન્ટાઇન સેન્ટર બનાવી શકાય. અગાઉની તુલનાએ આ વખતે કોરોનાના કારણે પૂરનો પડકાર મોટો છે. આટલી મોટી સંખ્યામાં અસરગ્રસ્તોને કોરોના ગાઇડલાઇન મુજબ રાહત શિબિરો સુધી સલામત લાવવાનું સહેલું નથી. તેમ છતાં તકેદારી રાખીએ છીએ. સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના સ્ટેટ પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર પંકજ ચક્રવર્તીએ કહ્યું કે ઘણા વિસ્તારોમાં પૂરના પાણી ઓસર્યા છે પણ લોઅર આસામમાં જળસ્તર ભયજનક સપાટીથી ઉપર છે.

આસામના કાઝીરંગામાં 108 વન્યજીવના પણ મોત
દિલ્હી અને એનઆસીઆરમાં રવિવારે સવારે ત્રણ કલાક સુધી ધોધમાર વરસાદ પડ્યો હતો, જે રાહતની સાથે આફત પૂરવાર થયો. પાણી ભરાઈ જવાને લીધે મિન્ટો રોડ પર અંડર બ્રિજની નીચેથી પસાર થઈ રહેલી ડીટીસીની બસ પણ પાણીમાં ડૂબી ગઈ હતી. સદભાગ્યે બસમાં મુસાફરો નહોતા. આ બ્રિજની નજીક 60 વર્ષીય એક ટેમ્પો ડ્રાઈવરનું ડૂબી જવાને લીધે મોત નીપજ્યું હતું. બીજી બાજુ ભારે વરસાદને લીધે જમીન ધસવાથી આઠથી દસ ઘર નાળામાં વળી ગયા હતા. હવામાન એજન્સી સ્કાઈમેટ અનુસાર રવિવારે થયેલો વરસાદ આ મોનસૂનનો સૌથી સારો અને છેલ્લાં પાંચ વર્ષમાં એક દિવસમાં સૌથી વધુ નોંધાયો છે. ઉત્તરાખંડના પિથૌરાગઢમાં ભારે વરસાદને લીધે બંગાપાની તાલુકામાં પાંચ મકાનો ગોરી નદીમાં વહી ગયા હતા. બીજી બાજુ આસામની હાલત દયનીય થઈ ચૂકી છે. અહીં 33માંથી 27 જિલ્લામાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. ત્યાં અત્યાર સુધી 107 લોકો મૃત્યુ પામી ગયા છે. કાઝીરંગા નેશનલ પાર્કનો 90 ટકાથી વધુ હિસ્સો પૂરની લપેટમાં આવી ગયો છે. પાર્કમાં 108 વન્યજીવોએ પણ જીવ ગુમાવ્યો છે.

આસામનો 40% હિસ્સો પૂરગ્રસ્ત

  • નેશનલ ફ્લડ કમિશનના જણાવ્યા મુજબ આસામનો 31,500 ચો. કિ.મી. વિસ્તાર એટલે કે અંદાજે 40% હિસ્સો પૂરગ્રસ્ત છે. તેનું મોટું કારણ એ છે કે આખું આસામ નદીની ખીણ પર જ વસેલું છે. તેનું કુલ ક્ષેત્રફળ 78,438 ચો. કિ.મી. છે, જેમાંથી 56,194 ચો. કિ.મી. બ્રહ્મપુત્રા નદીની ખીણમાં અને બાકીના 22,244 ચો. કિ.મી. બરાક નદીની ખીણમાં છે.
  • દર વર્ષે પૂરના કારણે આસામને અંદાજે 200 કરોડ રૂ.નું નુકસાન થાય છે. 1998ના પૂરમાં 500 કરોડ અને 2004માં 771 કરોડ રૂ.નું નુકસાન થયું હતું. આસામ સરકારના કહેવા મુજબ 1954, 1962, 1972, 1977, 1984, 1988, 1998, 2002 અને 2004માં રાજ્યમાં ભીષણ પૂર આવ્યા હતા. દર વર્ષે 3-4 વખત પૂરની સ્થિતિ સર્જાય છે.
  • સાડા ત્રણ કરોડની વસતી વાળા રાજ્યમાં દર વર્ષે 50-60 લાખ લોકો અસરગ્રસ્ત થાય છે. ગૃહ મંત્રાલયના કહેવા મુજબ 22 મેથી 15 જુલાઇ દરમિયાન રાજ્યના 4,766 ગામ પૂરથી અસરગ્રસ્ત થયા છે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
તસવીર આસામના મોરીગાંવ જિલ્લાના ખોલાબોઇયા ગામની છે.


source https://www.divyabhaskar.co.in/national/news/flood-victims-return-to-relief-camps-in-assam-due-to-threat-of-transition-127531685.html

Post a Comment

0 Comments