
- કોરોના વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો હતો
નવી દિલ્હી તા.23 સપ્ટેંબર 2020 બુધવાર
છેલ્લા ચોવીસ કલાકમાં દેશમાં કોરોનાના 83,347 નવા કેસ આવતાં કોરોનાનો કુલ આંકડો 56 લાખને વટાવી ગયો હતો. જો કે કેન્દ્રના આરોગ્ય ખાતાએ એવો દાવો કર્યો હતો કે સાજા થનારા લોકોની ટકાવારી 81.25 ટકાની હતી.
આરોગ્ય ખાતાએ આજે સવારે આઠ વાગ્યે પ્રગટ કરેલા આંકડા મુજબ છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના 83,347 નવા કેસ નોંધાયા હતા. એ સાથે કોરોના સંક્રમિતોનો આંકડો 56 લાખ46 હજાર 010નો થયો હતો. છેલ્લા ચોવીસ કલાકમાં વધુ 1,085 લોકોનાં મરણ થયાં હતાં. એ સાથે કોરોનાને લીધે મરણ પામેલા લોકોનો આંકડો 90 હજાર 020નો થયો હતો. અત્યાર સુધીમાં 45 લાખ 87 હજાર 613 લોકો સાજા થઇને ઘરે પાછા ગયા હતા.
કોવિડ 19થી ગ્રસ્ત થઇને મરનારાનો મૃત્યુદર ઘટીને 1.59 ટકા થઇ ગયો હતો. જો કે હજુ 9 લાખ 68 હજાર 377 લોકો સારવાર હેઠળ હતા, જે કુલ કેસોના 17.15 ટકા થવા જાય છે. ભારતમાં સાતમી ઑગષ્ટે કોવિડના સંક્રમણનો આંકડો વીસ લાખથી વધી ગયો હતો. ત્યારબાદ 23 ઑગષ્ટે 30 લાખથી વધુ, પાંચમી સપ્ટેંબરે 40 લાખથી વધુ અને 16 સપ્ટેંબરે 50 લાખના આંકડાને વટાવી ગયો હતો. ઇન્ડિયન કાઉ્નસિલ ફોર મેડિકલ રિસર્ચના આંકડા મુજબ 22મી સપ્ટેંબર સુધીમાં દેશમાં 6 કરોડ 62 લાખ 79 હજાર 462 કોરોના ટેસ્ટ થયા હતા. એમાંના 9 લાખ 53 હજાર 683 ટેસ્ટ એકલા મંગળવારે થયા હતા.
જો કે હજુ પણ કોરોના પોતાની પકડ વધુ ને વધુ જમાવી રહ્યો હતો. ખાસ કરીને મહારાષ્ટ્ર, તામિલનાડુ, કર્ણાટક અને ગુજરાતમાં દિવસે દિવસે કેસ વધી રહ્યા હતા. એ માટે આરોગ્ય પ્રધાન ડૉક્ટર હર્ષવર્ધને કહ્યું એમ લોકો માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સીંગ જેવી અગમચેતી પાળતા નથી એટલે ચેપ વધી રહ્યો હતો.
from Health News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3kIVm7w
via IFTTT
0 Comments