રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય ઘમસાણમાં સોમવારનો દિવસ મહત્ત્વનો પૂરવાર થશે. રાજસ્થાન હાઈકોર્ટ પાઈલટ જૂથના 19 ધારાસભ્યનું ભાવિ નક્કી કરશે. દરમિયાનમાં ફોન ટેપિંગનો મુદ્દો છવાઈ રહ્યો અને આ અંગે શાબ્દિક યુદ્ધ પણ શરૂ થઈ ગયું. રવિવારે કોંગ્રેસ ધારાસભ્ય રાજેન્દ્ર ગુડાએ દાવો કર્યો કે એસઓજી દ્વારા ધરપકડ કરાયેલા સંજય જૈને તેમનાથી આશરે 8 મહિના પહેલા મુલાકાત કરી હતી. જૈને તેમને પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે અને અન્ય નેતાઓ સાથે મળવા કહ્યું હતું. તેમની જેમ જ બીજો એજન્ટ પણ છે પણ તે તેમના ઈરાદામાં સફળ થયા ન હતા. ધારાસભ્યએ કહ્યું કે ગેહલોત સરકાર પાસે 100થી પણ વધુ ધારાસભ્ય છે. જો બહુમત ન હોત તો ભાજપે બહુમત પરીક્ષણ માગ કરી હોત.
બીજી બાજુ કોંગ્રેસે સતત બીજા દિવસે ભાજપ પર પ્રહાર કર્યા. પાર્ટી નેતા અજય માકને કહ્યું કે એફઆઈઆરમાં કેન્દ્રીયમંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતનું નામ છે અને ઓડિયો ટેપમાં તેમનો અવાજ ઓળખી લેવાયો છે, તેમ છતાં તે કેન્દ્રીયમંત્રી પદે યથાવત્ કેમ છે? કાં તો રાજીનામુ આપે કાં પછી તેમને બરતરફ કરવામાં આવે કે જેથી તે તપાસને પ્રભાવિત ન કરી શકે.
ત્રણ ધારાસભ્યોએ પાઈલટનું પ્લાન ચોપટ કર્યુ
કોંગ્રેસના 3 ધારાસભ્યો આ સંપૂર્ણ મામલે ચર્ચામાં રહ્યાં, જેમણે છેલ્લી ઘડીએ પોતાની નિષ્ઠા બદલી સચિન પાઈલટના ઈરાદાઓને નિષ્ફળ બનાવી દીધા. આ ધારાસભ્યોમાં દાનિશ અબરાર, ડીડવાડાથી ધારાસભ્ય ચેતન દૂદી અને રાજખેડાથી ધારાસભ્ય રોહિત વોહરાનો સમાવેશ થાય છે. સૂત્રોએ કહ્યું કે ત્રણ ધારાસભ્યો એઆઈસીસીના એક ટોચના પદાધિકારીના હસ્તક્ષેપ બાદ જયપુર પાછા ફરી ગયા. આ ત્રણેયના માધ્યમથી જ કોંગ્રેસના ટોચના નેતૃત્વને સંભવિત સત્તાપલટા માટે પાઈલટના સંપર્ક હેઠળના ધારાસભ્યોની સાચી સંખ્યાની જાણ થઇ. જેના લીધે સત્તાપલટાની યોજના અધવચ્ચે જ ધ્વસ્ત થઈ ગઈ.
બળવાખોરોની ચૂંટણી પર રોક મૂકો: સિબ્બલ
કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે પક્ષપલટો કરનારા તમામ લોક પ્રતિનિધિઓ પર 5 વર્ષ સુધી કોઈપણ સરકારી પદે રહેવા અને આગામી ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવા માટે પક્ષપલટા વિરોધી કાયદામાં સુધારો કરવાની માગ કરી હતી. સિબ્બલે ટ્વિટ કરી કે, વેક્સિનની જરૂર છે.
પાઈલટ જૂથના ધારાસભ્યો દિલ્હી શિફ્ટ
સૂત્રોએ જણાવ્યું કે ગુરુગ્રામમાં રોકાયેલા 18 ધારાસભ્યોને દક્ષિણ દિલ્હીની એક હોટેલમાં શિફ્ટ કરાયા છે. જોકે એ નથી જાણી શકાયું કે તે કઈ હોટેલમાં રોકાયા છે. તેમને એસઓજી ટીમના પહોંચ્યા બાદ ઠેકાણું બદલવું પડ્યું. બીજી બાજુ ગેહલોત સરકારને પાડવા સંબંધિત ઓડિયોની તપાસ માટે 8 સભ્યોની સમિતિની રચના કરાઈ છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
source https://www.divyabhaskar.co.in/national/news/the-future-of-19-mlas-from-the-sachin-pilot-group-will-be-decided-in-the-rajasthan-high-court-today-127530910.html
0 Comments