યુપીના દેવબંદમાં 164 વર્ષ જૂનું એશિયાનું સૌથી મોટું ઈસ્લામિક શૈક્ષણિક કેન્દ્ર દારુલ ઉલુમ કુરાન, હદીસના શિક્ષણ અને પોતાના ફતવાઓ માટે ઓળખ ધરાવે છે. સામાન્ય રીતે અહીંની લાઈબ્રેરીમાં દાઢી અને ટોપીવાળા સ્ટુડન્ટ્સ કુરાનની આયતો, વેદોની ઋચાઓ અને ગીતા-રામાયણના શ્લોકોનું ઉચ્ચારણ કરતાં મળી જશે. ખરેખર આ સંસ્થાન વિદ્યાર્થીઓને ગીતા, રામાયણ, વેદ, બાઇબલ, ગુરુગ્રંથ અને અન્ય અનેક ધર્મોના ગ્રંથનું શિક્ષણ પણ આપે છે. દારુલ ઉલુમ વિશે આ માહિતીથી મોટાભાગના લોકોને આશ્ચર્ય થઇ શકે છે પણ દર વર્ષે અહીંથી પાસ થઇને એવા સ્પેશિયલ કોર્સમાં એડમિશન લેનારા વિદ્યાર્થીઓની સંખ્યા આશરે 300 જેટલી છે. તેમાં 50 સીટ હિન્દુ ધર્મના અભ્યાસ માટે હોય છે.
દારુલ ઉલુમના મીડિયા ઈન્ચાર્જ અશરફ ઉસ્માની કહે છે કે અહીં વિદ્યાર્થીઓ મૌલવીની ડિગ્રી પછી સ્પેશિયલ કોર્સની પસંદગી કરી શકે છે. અહીં શિક્ષણના 34 વિભાગ છે, 4 હજારથી વધુ સ્ટુડન્ટ્સ દર વર્ષે અભ્યાસ કરે છે. ઉસ્માની કહે છે કે 24 વર્ષ પહેલાં દેવબંદની કાર્યસમિતિએ આ સ્પેશિયલ કોર્સ ચલાવવાનો નિર્ણય કર્યો હતો. તે હેઠળ હિન્દુ ધર્મ ઉપરાંત ખ્રિસ્તી, યહૂદી, શીખ અને પારસી સહિત અન્ય ધર્મ પણ ભણાવાય છે. સ્પેશિયલ કોર્સને એ રીતે ડિઝાઈન કરાયું છે કે દર્શનને સમજવાની પર્યાપ્ત પરિપક્વતા વિદ્યાર્થીઓમાં વિકસિત થઇ શકે. આ કોર્સ બેથી ચાર વર્ષ સુધીના હોય છે.
દારુલ ઉલુમથી જ પાસઆઉટ દેશના મુખ્ય આલિમ મૌલવી અબ્દુલ હમીદ નોમાની આ સ્પેશિયલ કોર્સના વિઝિટિંગ પ્રોફેસર છે, જેમણે પોતે પણ મુખ્ય 12 ઉપનિષદ, ચાર વેદ, ગીતા અને રામાયણનો અભ્યાસ કર્યો છે. તેમણે જ અહીં હિન્દુ ધર્મ અને દર્શનશાસ્ત્રનો સિલેબસ તૈયાર કરાવડાવ્યો છે. યુવા મૌલવી ઈશ્તિયાક કાસમી ‘ચતુર્વેદી’ જણાવે છે કે તેમણે મૌલવીની ડિગ્રી પછી ચાર વેદ, ગીતા અને અન્ય ધર્મગ્રંથોનો અભ્યાસ કર્યો. સંસ્કૃતના વિદ્વાન છે એટલે પોતાના નામની સાથે ‘ચતુર્વેદી’ લખે છે.
આજકાલ તે ગીતા અને કુર્અાનના દર્શન પર શોધ કરી રહ્યાં છે. તે જણાવે છે કે ધાર્મિક પુસ્તકોને વાંચ્યા પછી હું એ શીખ્યો કે બધા જ શાંતિ, સદભાવ અંગે અલ્લાહ, ઈશ્વર અને પરમ બ્રહ્મના સંદેશ આપે છે. એક અન્ય વિદ્યાર્થી મૌલવી અબ્દુલ મલિક કાસિમ કહે છે કે આ ધાર્મિક પુસ્તકોને વાંચવા એક આંખ ખોલનારા અનુભવ છે. તેના અભ્યાસે મારો દૃષ્ટિકોણ બદલી નાખ્યો અને મને બંને ધર્મોના શિક્ષણ અને દર્શનમાં અદભૂત સમાનતા મળી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
source https://www.divyabhaskar.co.in/national/news/islamic-education-center-darul-uloom-deoband-teaches-gita-ramayana-and-vedic-verses-along-with-quran-127459008.html
0 Comments