કોંગ્રેસમાં વરિષ્ઠ નેતાઓને લઇને આંતરિક ટકરાવ વધી રહ્યો છે. કોંગ્રેસના નેતા મનીષ તિવારીએ શનિવારે રાજ્યસભાના સાંસદ રાજીવ સાતવ સામે નારાજગી વ્યક્ત કરી. તિવારીએ ટિ્વટમાં લખ્યું, ‘ભાજપ 2004થી 2014 દરમિયાન સત્તામાં નહોતો. ભાજપના લોકોએ પક્ષની સ્થિતિ માટે એક વાર પણ વાજપેયીને કે તેમની સરકારને જવાબદાર નહોતી ગણાવી. દુર્ભાગ્યવશ કોંગ્રેસના કેટલાક બીમાર લોકો એનડીએ કે ભાજપના બદલે ડૉ. મનમોહનસિંહના નેતૃત્ત્વવાળી યુપીએ-2 સરકાર સામે લડી રહ્યા છે. હાલ સાથે મળીને ચાલવાનો સમય છે તો વિભાજન જેવી માનસિકતા રાખી રહ્યા છે.’
મૂળે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે બેઠકમાં સાતવે ઇશારામાં કહ્યું હતું કે કોંગ્રેસની આજની હાલત માટે યુપીએ-2ના વરિષ્ઠ મંત્રી જવાબદાર છે. બીજી તરફ તિવારીની ટિ્વટનો સાતવે શાયરાના અંદાજમાં જવાબ આપ્યો. તેમણે ટિ્વટમાં લખ્યું, ‘મત પૂછ મેરે સબ્ર કી ઇન્તેહા કહાં તક હૈ, તૂ સિતમ કર લે, તેરી તાકત જહાં તક હૈ. વફા કી ઉમ્મીદ જિન્હેં હોગી ઉન્હેં હોગી, હમેં તો દેખના હૈ, તૂ જાલિમ કહાં તક હૈ.’
તિવારીના સમર્થનમાં દેવરા, શર્મા, થરુર આગળ આવ્યા: પૂર્વ મંત્રી મિલિન્દ દેવરાએ કહ્યું કે મનમોહનસિંહે 2014માં કહ્યું હતું કે ઇતિહાસ તેમના પ્રત્યે દયાળુ રહેશે. શું ત્યારે તેમણે કલ્પના કરી હશે કે તેમના જ પક્ષના લોકો તેમની સેવા ફગાવી દેશે? રાજ્યસભાના સાંસદ આનંદ શર્માએ કહ્યું કે કોંગ્રેસીઓને યુપીએના વારસાનુંં ગૌરવ હોવું જોઇએ. કોંગ્રેસના નેતા શશિ થરુરે કહ્યું કે યુપીએનાં 10 વર્ષ પરિવર્તનશીલ રહ્યાં. તે અંગે દુર્ભાવનાપૂર્ણ વાતો કહેવાઇ રહી છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
source https://www.divyabhaskar.co.in/national/news/some-people-in-congress-are-not-fighting-against-nda-but-against-upa-2-tiwari-said-127576939.html
0 Comments