જીવનમાં મિત્રો અને મિત્રતા એક ભેટ જેવી હોય છે જેને આપણે પોતે પોતાના માટે પસંદ કરીએ છીએ. સાચો મિત્ર એ જ છે જે મુશ્કેલ સમયમાં પણ તેના મિત્રને એકલો નથી છોડતો. આજે ફ્રેન્ડશિપ ડે નિમિત્તે બાળપણની એવી ચાર વાર્તાઓ વાંચો જે જીવનમાં મિત્રો અને મિત્રતાનું મહત્ત્વ સમજાવે છે.

પહેલી વાર્તાઃ મિત્રતાના શબ્દો
એકવાર બે મિત્રો રણ પાર કરી રહ્યા હતા. રસ્તામાં તેમનો કોઈ વાત પર ઝઘડો થઈ ગયો. પહેલા મિત્રે ગુસ્સામાં આવીને બીજા મિત્રને લાફો મારી દીધો. બીજા મિત્રને આનાથી ઘણું દુઃખ થયું અને તેણે રેતી પર લાકડાંથી લખ્યું, આજે મારા સૌથી સારા મિત્રે નાનો ઝઘડો થવાથી મને થપ્પડ મારી દીધો. બંનેએ મંજિલ પર પહોંચ્યા બાદ ઝઘડાનું સમાધાન લાવવાનો નિર્ણય કર્યો.
બંને એકબીજા જોડે વાત કર્યા વિના સાથે ચાલતા રહ્યા. આગળ તેમને એક મોટું તળાવ જોવામળ્યું. તેમણે તળાવમાં સ્નાન કરીને ફ્રેશ થવાનું નક્કી કર્યું. તળાવની બીજી બાજુ એક ખૂબ જ જોખમી કીચડ હતું. જે મિત્રે થપ્પડ મારી હતી, તે એ કીચડમાં ફસાઈ ગયો અને ડૂબવા લાગ્યો. જ્યારે તેના મિત્રે આ જોયું તો તે તુરંત જ બીજી તરફ તરી ગયો અને ખૂબ પ્રયત્નો કર્યા બાદ તેણે એ મિત્રને બહાર કાઢ્યો.
જે મિત્રે તેનો જીવ બચાવ્યો તેણે તે તળાવના કિનારે એક મોટા પથ્થર પર લખ્યું, આજે મારા મિત્ર મારો જીવ બચાવ્યો. આ જોઇને બીજા મિત્રે પૂછ્યું – જ્યારે મેં તને થપ્પડ માર્યો તો તે એ વાત રેતી પર લખી. પરંતુ મેં તારુંજીવન બચાવ્યું તો તે એ વાત પથ્થર પર લખી એવું કેમ?
બીજા મિત્રે જવાબ આપ્યો, જ્યારે આપણને કોઈ દુઃખ પહોંચાડે તો આપણે તેને રેતી પર લખવું જોઇએ જેથી, સમય અને માફીની હવા તેને ભૂંસી નાખે. પરંતુ જ્યારે કોઈ આપણી સાથે સારો વ્યવહાર કરે તો આપણે એ વાત પથ્થર પર લખવી જોઇએ. જેને હવા કે કોઈ માણસ તો શું સમય પણ ન ભૂંસી શકે.
પાઠ – મિત્રતામાં વ્યક્તિએ ક્યારેય કોઈ દુર્ઘટનાને લાંબા સમય માટે મનમાં સાચવીને ન રાખવી જોઇએ. મિત્રની ભૂલને માફ કરી દેવી એ જ સાચી મિત્રતા છે.

બીજી વાર્તાઃ મિત્રતા અને પૈસો
રમણ અને રાઘવ નામના બે મિત્રો સાથે ગામમાં રહેતા હતા. રમણ એક ધનિક પરિવારનો હતો અને રાઘવ ગરીબ હતો. આ તફાવત હોવા છતાં બંને પાક્કા મિત્રો હતા. સમય પસાર થયો અને બંને મોટા થયા. રમણ તેનો પારિવારિક ધંધો સંભાળે છે અને રાઘવને એક નાનકડી નોકરી મળી. જવાબદારીઓનો ભાર માથે આવ્યા પછી બંને માટે પહેલા જેવો એકસાથે સમય વિતાવી શકવો અશક્ય હતો. પરંતુ જ્યારે તક મળે ત્યારે તેઓ ચોક્કસ મળતા.
એક દિવસ રમણને ખબર પડી કે રાઘવ બીમાર છે અને તે તેના મિત્રની ખબર કાઢવા તેના ઘરે આવ્યો. પરિસ્થિતિ વિશે પૂછપરછ કર્યા બાદ રમણ ત્યાં વધુ સમય ન રહ્યો અને તેના ખિસ્સામાંથી કેટલાક પૈસા કાઢીને રાઘવને આપીને જતો રહ્યો. રમણના વર્તનથી રાઘવને ભારે દુ:ખ થયું હતું, પરંતુ તેણે કશું કહ્યું નહીં. સ્વસ્થ થયા પછી તેણે સખત મહેનત કરીને પૈસાની વ્યવસ્થા કરી અને રમણના પૈસા પાછા આપી દીધા.
થોડા દિવસ પછી રમણ માંદો પડી ગયો. જ્યારે રાઘવને આ વાતની જાણ થઈ તો તે તેની નોકરી છોડીને દોડીને રમણ પાસે ગયો અને તે સ્વસ્થ ન થયો ત્યાં સુધી તેની સાથે રહ્યો. રાઘવના આ વર્તનથી રમણને તેની ભૂલનો અહેસાસ થયો અને તે અપરાધના ભાવથી છલકાઈ ઉઠ્યો.
એક દિવસ તે રાઘવના ઘરે ગયો અને તેણે તેના વર્તન માટે માફી માગતા કહ્યું, મિત્ર, જ્યારે તું માંદો હતો ત્યારે હું તને પૈસા આપવા આવ્યો હતો. પણ જ્યારે હું બીમાર પડ્યો ત્યારે તું મારી સાથે રહ્યો. મને મારી આ ભૂલ પર બહુ શરમ આવે છે. મને માફ કરી દે.
રાઘવે રમણને ગળે લગાવીને કહ્યું, વાંધો નહીં મિત્ર. હું ખુશ છું કે તને સમજાયું કે મિત્રતામાં પૈસા મહત્ત્વના નથી હોતા. પરંતુ પ્રેમ અને એકબીજા કાળજી રાખવી મહત્ત્વપૂર્ણ હોય છે.
પાઠ - પૈસાના વજનથી મિત્રતાને શરમ ન મૂકો. મિત્રતાનો આધાર પ્રેમ, વિશ્વાસ અને એકબીજાની સંભાળ છે.

ત્રીજી વાર્તાઃ મિત્રતા અને વિશ્વાસ
રાત્રે પરદેસની સફર પર ગયેલા બે મિત્રો સોહન અને મોહન એક જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા. સોહનને ડર લાગતો હતો કે કોઈ જંગલી પ્રાણી સાથે તેનો સામનો ન થઈ જશે તો. ત્યાં મોહને કહ્યું, "દોસ્ત! આ જંગલમાં જંગલી પ્રાણીઓ હશે. જો કોઈ પ્રાણી આપણા પર હુમલો કરશે તો આપણે શું કરીશું? " સોહને કહ્યું, " મિત્ર ડરીશ નહીં, હું તારી સાથે છું. જો કોઈ જોખમ આવી જશે, તો પણ હું તારો સાથ છોડીશ નહીં. સાથે મળીને આપણે દરેક મુશ્કેલીનો સામનો કરીશું. ”
આ પ્રકારની વાતો કરતાં કરતાં તેઓ આગળ જઈ રહ્યા હતા કે અચાનક એક તેમની સામે એક રીંછ આવી ગયું. બંને મિત્રો ડરી ગયા. રીંછ તેમની તરફ આગળ વધવા લાગ્યું. ડરનો માર્યો સોહન તરત ઝાડ પર ચઢી ગયો. તેણે વિચાર્યું કે મોહન પણ ઝાડ ઉપર ચઢી જશે. પરંતુ મોહનને ઝાડ પર ચઢતા નથી આવડતું. તે લાચાર થઈને નીચે ઉભો રહે છે.
રીંછ તેની નજીક આવી ગયું અને મોહન ડરી ગયો અને પરસેવો પરસેવો થઈ ગયો. પરંતુ ભય હોવા છતાં, તેના મગજમાં એક ઉપાય સૂઝ્યો. તે જમીન પર પડી ગયો અને પોતાનો શ્વાસ રોકીને એક મૃત વ્યક્તિની જેમ પડ્યો રહ્યો. રીંછ નજીક આવ્યો અને મોહનની આસપાસ ફરવા લાગ્યો અને તેને સૂંઘવા લાગ્યો. આ બધુ ઝાડ પર ચઢેલો સોહન જોઈ રહ્યો હતો. તેણે જોયું કે, રિંછ મોહનના કાનમાં કંઇક કરી રહ્યું છે. કાનમાં કંઈક બડબડાટ કર્યા બાદ રીંછ ત્યાંથી જતો રહ્યો
રીંછ જેવો જતો રહ્યો સોહન ઝાડ પરથી ઉતરી ગયો અને મોહન પણ ઉભો થઈ ગયો. સોહને મોહનને પૂછ્યું, "દોસ્ત! જ્યારે તું જમીન પર પડ્યો હતો, ત્યારે મે જોયું કે રીંછ તારા કાનમાં કંઈક બડબડાટ કરી રહ્યો હતો. તે શું કરી રહ્યો હતો?”હા, રીંછે મને કહ્યું કે એવા મિત્ર પર ક્યારેય વિશ્વાસ ન કરો, જે તમને દુર્ઘટનામાં એકલા છોડીને ભાગી જાય."
પાઠ - જે મિત્ર સંકટમાં છોડીને ભાગી જાય તે વિશ્વાસને લાયક નથી હોતો.

ચોથી વાર્તા- બે સૈનિક મિત્ર
બાળપણના બે મિત્રોનું સપનું હતું કે મોટા થઈને સેનામાં જોડાવાનું અને દેશની સેવા કરવાનું હતું. બંને પોતાનું આ સપનું પૂરું કર્યું અને સેનામાં જોડાયા. ટૂંક સમયમાં તેમને દેશની સેવા કરવાની તક મળી. યુદ્ધ શરૂ થયું અને તેમને યુદ્ધમાં મોકલવામાં આવ્યા, ત્યાં જઈને બંનેએ બહાદુરીથી દુશ્મનોનો સામનો કર્યો.
યુદ્ધ દરમિયાન એક મિત્ર ગંભીર રીતે ઘાયલ થયો હતો. જ્યારે બીજા મિત્રને આ વાત ખબર પડી તો તે, પોતાના ઘાયલ મિત્રને બચાવવા દોડી ગયો હતો. ત્યારે તેના કેપ્ટને તેને અટકાવ્યો અને કહ્યું, "હવે ત્યાં જવાનો કોઈ અર્થ નથી." તું જ્યાં સુધી ત્યાં પહોંચીશ તારો મિત્ર મરી ગયો હશે."
પરંતુ તે ન માન્યો અને ઈજાગ્રસ્ત મિત્રને લેવા ગયો. તે પાછો આવ્યો ત્યારે તેનો મિત્ર તેના ખભા પર હતો, પણ તે મરી ગયો હતો. આ જોઈને કેપ્ટને કહ્યું, "મેં તમને કહ્યું હતું કે ત્યાં જવાનો કોઈ અર્થ નથી." તું તારા મિત્રને સહી સલામત લાવી શક્યો નહીં. તારું જવું નકામું રહ્યું. "
સૈનિકે જવાબ આપ્યો, "ના સર, મારું ત્યાં જઈને તેને લઈને જવાનું નકામું નથી. જ્યારે હું તેની પાસે ગયો, તો મારી આંખોમાં જોઈને તેને હસતા હસતા કહ્યું હતું, મિત્ર મને વિશ્વાસ હતો કે, તું જરૂરથી આવીશ. આ તેના અંતિમ શબ્દો હતા. હું તેને બચાવી શક્યો નહીં, પરંતુ તેને મારા પર અને મારી મિત્રતા પર જે વિશ્વાસ હતો, તેને બચાવી લીધો .”
પાઠઃ સાચા મિત્રો અંતિમ સમય સુધી તેમના મિત્રનો સાથ છોડતા નથી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
source https://www.divyabhaskar.co.in/national/news/4-stories-to-share-with-friends-on-friendship-day-that-explain-the-importance-of-friends-and-friendship-in-life-127576973.html
0 Comments